સન્ 1985 માં સરદાર જયંતિના રોજ સમાજ માટે કંઈક કરવાનો વિચાર વડોદરામાં વસતા પટેલ સમાજના યુવાનોને આવ્યો અને તેમાંથી "મહી-પાનમ પટેલ સમાજ, વડોદરા યુનિટ" ની રચના થઇ.
કાળક્રમે, મહી અને પાનમ નદી તથા આસપાસના વિસ્તારના મૂળ વતની પાટીદાર સમાજના સૌએ ભેગા મળી સન્ 1998 માં સદર સંસ્થાને “મહી-પાનમ સમાજ સેવા ટ્રસ્ટ, વડોદરા” ના નામથી રજિસ્ટર કરાવ્યું.
સામાજીક કાર્યક્રમો સાથે સંકળાયેલી આ સંસ્થા બ્લડ ડોનેશન કેમ્પ, સ્નેહ-મિલન સમારંભ, આધ્યાત્મિક પ્રવાસો, ઐતિહાસિક સ્થળોની મુલાકાતો, શૈક્ષણિક પ્રોત્સાહન સમારંભ, સામાજીક નાટકો જેવી પ્રવૃત્તિઓ આજ સુધી કરતી આવી છે.
મહી-પાનમ કાંઠાના વડોદરામાં વસતા પરિવારોનું સંકલન કરી, તેમની સંપૂર્ણ વિગતો જેવી કે વતનનું સ્થળ, સરનામું, વડોદરાનું રહેઠાણનું સ્થળ, જન્મ તારીખ, નૌકરી/ધંધાનું સ્થળ, બ્લડ ગ્રુપ વગેરે વાળી માહિતી પુસ્તિકાનું નિર્માણ કરવામાં આવ્યું.
બદલાતા જમાનામાં સમય સાથે પરિવર્તન પણ જરૂરી છે. જે વસ્તુસ્થિતિ ધ્યાનમાં રાખી સંસ્થાની વેબસાઈટનું નિર્માણ કર્યું તથા સભ્યોની તમામ માહિતી આ વેબસાઈટમાં ઉપલબ્ધ થાય તેવું નક્કી કર્યું. સાથે સાથે શૈક્ષણિક સેમિનાર, મેડિકલ ચેક-અપ કેમ્પ, કૃષિ વિષયક કેમ્પ, રોજગાર લક્ષી માર્ગદર્શન, મેરેજ બ્યુરો, વગેરે વગેરે પ્રવૃત્તિઓ પણ હવે પછીના સમયમાં કરવામાં આવે એવું નક્કી કર્યું.
સમાજના યુવા મિત્રોએ સ્વૈચ્છિક રીતે તૈયાર થઇ સંસ્થાને યોગ્ય દિશામાં આગળ ધપાવવાનો સમય હવે આવી ગયો છે. આપ સૌ યુવા મિત્રોને આ બાબતે આગળ આવવા અપીલ કરીએ છીએ. જે સહર્ષ સ્વીકારીને સમાજ પ્રત્યેનું ઋણ અદા કરશો.
આપ સૌના સહકાર વગર ઉપરોક્ત પ્રવૃત્તિઓ શક્ય નથી. અતઃ આ એક સામાજીક જવાબદારી સમજી તેમાં સહભાગી થઇ, પરિપૂર્ણ કરવા હૃદય-મન-ધન થી સંપૂર્ણ સહકાર આપશો તેવી આશા સહ...