પ્રસ્તાવના
શ્રી એસ. બી. પટેલ - પ્રમુખશ્રી
મહી-પાનમ સમાજ સેવા ટ્રસ્ટની વેબસાઇટની પ્રથમ આવૃત્તિ રજુ કરતા અત્યંત હર્ષની લાગણી અનુભવું છું. સંસ્થાની શરૂઆત "મહી-પાનમ પટેલ સમાજ, વડોદરા યુનિટ" ના નામથી તા: 31-10-1985 થી થઇ. ત્યારબાદ આપણે સૌ બાવન અને બેતાલીસ વિભાગના લેઉઆ પટેલ ભેગા મળીને "મહી-પાનમ સમાજ સેવા ટ્રસ્ટ" નું રેજીસ્ટ્રેશન તા: 31-1-1998 ના રોજ કર્યું. તબક્કા વાર જોઈએ તો સંસ્થાની સૌ પ્રથમ પરિવાર દર્શનિકાનું નિર્માણ 1994 માં થયું. તેમ કરતા 2008 માં તેની ચોથી આવૃત્તિ બનાવી, જેમાં સભાસદોની સંપૂર્ણ વિગતો રંગીન ફોટા સાથે પ્રસ્તુત થઇ.
Read more
- 2015 માં સમય સાથે પરિવર્તિત થતા આપણે આધુનિક ટેક્નોલોજી અપનાવી અને આ તમામ માહિતી વેબસાઈટ ઉપર મુકવાનું નક્કી કર્યું અને તે મુજબ આજ રોજ આપણે આ વેબસાઈટનું પ્રશેપણ કરવા જઈ રહ્યા છીએ. આ વેબસાઈટમાં સભાસદ તથા તેના પરિવારના તમામ સભ્યોની સંપૂર્ણ વિગત અને ફોટા સાથેની માહિતી આવરી લેવામાં આવી છે. જે આજના "ડિજિટલ ઇન્ડિયા" પ્રોગ્રામની માંગને અનુરૂપ પગલું છે. આ વેબસાઇટની સંપૂર્ણ માહિતી તમને એડમીન ડેસ્ક પરથી મળી શકશે.
- આપણુ ટ્રસ્ટ ઘણી બધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું છે જેમાં બ્લડ ડોનેશન કેમ્પ, કૌટુંબિક પ્રવાસ, મહિલા મંડળની પ્રવૃત્તિઓ, સામાજીક અને શૈક્ષણિક કાર્યોનો સમાવેશ થાય છે. કોઈ પણ સમાજનો વિકાસ કરવા સમાજના સંગઠનની જરૂરિયાત ઘણી મહત્વની છે. જે લુણાવાડા-કડાણા-સંતરામપુર-ખાનપુર વિભાગના લેઉઆ પટેલ સમાજના પરિવારજનોએ આ કામ વતનથી દૂર વડોદરાને પોતાની કર્મભૂમિ બનાવીને કરી બતાવ્યું છે. આજે મહી-પાનમ સમાજ સેવા ટ્રસ્ટ, વડોદરા પોતાની આગવી ઓળખ ધરાવે છે.
- સમાજના સર્વાંગી વિકાસ અને ઘડતર માટે શિક્ષણ અગત્યની અંગભૂત કડી છે. જે સમાજમાં શિક્ષણનું પ્રમાણ સારું હશે તે સમાજમાં વ્યક્તિ ઘડતરની પ્રક્રિયા બળવત્તર બનશે. આપણા સમાજના બાળકો અને યુવાન ભાઈ-બહેનોએ શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચતર પ્રગતિ કરી છે જે આપણા માટે ગર્વની વાત છે અને હજુ પણ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભકામના પાઠવું છું.
- છેલ્લે, મહી-પાનમ સમાજની સ્થાપનાની શરૂઆતથી અત્યાર સુધી દરેક ક્ષેત્રે, દરેક પ્રવૃત્તિમાં આપ સૌએ ખુબ મહેનત કરી અને ખુબ સહકાર આપ્યો તથા સંસ્થાની આર્થિક સ્થિતિને સમયે સમયે બળવત્તર બનાવવા હૃદય અને ઉમંગથી ઉદારતા પૂર્વક આર્થિક અને શારિરીક સહયોગ પુરોપાડી રહ્યા છો તે બદલ હું આપનો આભારી છું. આશા રાખું છું આપ સૌ આ ટ્રસ્ટને ઉદાર ભાવનાથી સફળતાની ટોચ પર પહોંચાડવા ભવિષ્યમાં પણ આવો સહયોગ આપશો.
- નવા વર્ષની શુભકામના સહ ફરીથી આપનો હૃદયપૂર્વક આભાર...
મંત્રીશ્રીનું નિવેદન
શ્રી અશોક સી. પટેલ
મહી-પાનમ સમાજ સેવા ટ્રસ્ટના પરિવાર દ્વારા યોજીત સ્નેહ સંમેલન પર્વ સમયે આ સમાજની પરિવાર પરિચય પુસ્તિકા આપ સૌના હાથમાં મુકતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું.
Read more
- આપણી સંસ્થાએ વડોદરા શહેરમાં આપ સૌના સહકારથી ઈલોરાપાર્ક વિસ્તારમાં પોતાનું કાર્યાલય પણ ખરીદેલ છે. જે આપણા માટે ગર્વની વાત છે. આપણા સમાજના યુવાન ભાઈ-બહેનોએ વ્યવસાય અર્થે ભારતના જુદા જુદા શહેર તેમજ દુનિયાના અન્ય દેશોમાં સ્થાયી થઇ પોતાની તેમજ આપણા સમાજની આગવી ઓળખ ઉભી કરેલ છે અને હજુ પણ તેમાં પ્રગતિ કરી આગળ આવશે તેવી અપેક્ષા રાખું છું અને તેમને અભિનંદન પાઠવું છું.
- આપણા ટ્રસ્ટ દ્વારા વડોદરા ઉપરાંત આપણા વતનના વિભાગ સમાજમાં લેઉઆ પટેલના નાના મોટા મેળાવડા કરી હાજરી આપી તેમજ અન્ય શહેરના પટેલ સમાજમાં સંપર્કમાં રહી આપણે અવાર-નવાર સમાજના વિકાસની પ્રવૃતિઓ સાલ દરમ્યાન કરેલ છે.
- આપણો પટેલ સમાજ આજ સુધી ફક્ત ખેતી અને શિક્ષકની નોકરી ઉપર આધારિત હતો પણ હવે સમાજમાં શિક્ષણ વધતાં હાલના સંજોગોમાં પરિસ્થિતિ બદલાઈ ગયેલ છે. સમાજના યુવાન ભાઈ-બહેનો વિવિધ ઉદ્યોગો સ્થાપી ઉદ્યોગપતિ બન્યા છે. તેમજ બિઝનેસમેન તરીકે સારી પ્રગતિ કરી મોટી કંપનીઓના ઉચ્ચ હોદ્દા પ્રાપ્ત કરી નામના મેળવેલ છે. જે આ સમાજની પ્રગતિ અને ગર્વની વાત છે.
- આપણા ટ્રસ્ટના નેજા હેઠળ અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવેલ છે. આ નવીન પરિવાર પરિચય પુસ્તિકાનું નિર્માણ થયેલ છે, જે માહિતીથી સભર છે. આ પુસ્તિકા તૈયાર કરવામાં સહભાગી થનાર યુવાન મિત્રોનો હું આભારી છું અને તેમને આ કામ સુંદર રીતે પૂરું કરવા બદલ અભિનંદન પાઠવું છું. મને આશા છે કે હજુ પણ આપણે ઘણું બધું કામ કરી શકીશું અને જરૂર છે, આપ સૌની જાગૃતતા-સક્રિયતા અને સહકારની.
- દરેક માનવી સમાજનું અંગ ગણાય છે. સમાજને આપણે આપીએ છીએ થોડું અને અપેક્ષા વધુ રાખીએ છીએ જે આપણા દુઃખનું કારણ બને છે. માનવીએ હંમેશા સમાજને સુધારતા પહેલા પોતાની જાતને સુધારવી જોઈએ.
- ફરીથી આ નૂતન વર્ષ આપણુ જીવન સદ્દગુણોરૂપી શિલ્પથી સુઘડ અને સુશોભિત બનો કુટુંબમાં સમાજમાં પરસ્પર પ્રેમ સંપ-ઐક્ય અને આનંદ વૃદ્ધિ પામો તેવી શુભકામના.
- આપ સૌએ જે સાથ અને સહકાર આપેલ છે તેવો જ સાથ અને સહકાર આપતા રહેશો તેવી આશા...
- આભાર...
ઉપપ્રમુખશ્રીનું નિવેદન
શ્રી પી. એસ. પાટીદાર
સૌને નવા વર્ષની શુભકામનાઓ... આપ સૌએ મને મહી-પાનમ સમાજ સેવા ટ્રસ્ટના ઉપપ્રમુખ તરીકે સેવા કરવાની ઉમદા તક આપી તે બદલ હૃદયથી આભાર માનું છું.
Read more
- સૌના સાથ અને સહકારમાં જ સમાજનો વિકાસ રહેલો છે. જેનું ઉત્તમ ઉદાહરણ આપણો મહી-પાનમ સમાજ છે. મૂળ વતનમાંથી નૌકરી તથા ધંધાર્થે વડોદરામાં આવીને વસેલા બાવન-બેતાલીસ પાટીદાર સમાજના વ્યક્તિઓ અહીં સ્થાઈ થયા. સમય જતા સમાજ માટે કંઈક કરવાની ભાવનાથી વતનમાં વસતા ભાઈઓ-બહેનોને વડોદરામાં લાવી, નૌકરી/ધંધા અપાવી અહીં સ્થાઈ થવામાં ઉદાર હૃદયે મદદ કરી. સમુદાય મોટો થતા "મહી-પાનમ પટેલ સમાજ, વડોદરા યુનિટ" ની રચના થઇ. નાની મોટી સમાજ સેવાની પ્રવૃત્તિઓ સાથે આ યુનિટ ધીમે ધીમે "મહી-પાનમ સમાજ સેવા ટ્રસ્ટ, વડોદરા" ના નેજા હેઠળ ઉભેલી આપણે આજે જોઈ શકીએ છીએ.
- સામાજિક રિતી-રિવાજોથી પર રહીને વિકાસ લક્ષી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી આ સંસ્થા મનને ખરેખર અદ્ભૂત આનંદ આપે છે. નાના મોટા સૌને સાથે લઈને ચાલતી સંસ્થાની નિતીઓ ખરેખર વખાણવા લાયક છે.
- આજની યુવા પેઢીને મારી નમ્ર રાજ છે કે સંસ્થાને હજુએ વિકાસના ઉંચા શિખર પર પહોંચાડે તથા "સૌનો સાથ સૌનો વિકાસ" સૂત્ર સાકાર કરે.
- ફરીથી આપ સૌનો આભાર...
તાત્કાલિક પૂર્વ પ્રમુખનું નિવેદન
શ્રી બી. એસ. પટેલ
આપ સૌએ ભૂતપૂર્વ પ્રમુખ સ્વ. શ્રી એસ. વી. પટેલના આકસ્મિક દુઃખદ અવસાન પછી મને મહી-પાનમ સમાજ સેવા ટ્રસ્ટ, વડોદરાના પ્રમુખ તરીકેનો કાર્યભાર સોંપી ટ્રસ્ટની જવાબદારી અદા કરવાની ઉમદા તક આપી તે બદલ આપ સૌનો હાર્દિક આભાર.
Read more
- મારા આ સંસ્થામાં અત્યાર સુધીના કાર્યકાળ દરમ્યાન દરેક નવા વર્ષે સ્નેહમિલન સમારંભ યોજી સામાજિક એકતાની ભાવના વિકસાવાના પ્રયાસો કર્યા. "અબ આયેગા મઝા" એક નાટક ગાંધીનગર ગૃહમાં યોજીને સંસ્થાને આર્થિક સધ્ધરતા બક્ષવાનો પ્રયત્નો કર્યો છે. ગુજરાત અને દેશના સીમા ચિહ્ન જેવા સરદાર સરોવર ડેમનો કૌટુંબિક પ્રવાસ યોજીને ભૌગોલિક પરિસ્થિતિ પામવાનો પ્રયત્ન કર્યો. આપણા જ અત્યંત સેવાભાવી બલિદાનની ભાવનાવાળા સભાસદોની દર વર્ષે રક્તદાન જેવી પ્રવૃત્તિ સફળ રીતે થાય છે. જેનો લાભ આપણા વતનમાંથી આવતા દર્દી ભાઈઓ-બેહનોને મળે છે જે આપણા માટે ખુબજ ગર્વની વાત છે. વધતી જતી મોંઘવારી સામે ટ્રસ્ટનો વહીવટ સારી તથા પારદર્શક રીતે અને સૌમ્ય વાતાવરણમાં ભાઈચારાની ભાવના સાથે ચાલે તે ઇચ્છનીય છે. મારી એવી મનની ઈચ્છા ખરી કે સંસ્થા પાસે પોતાનું એક સમાજઘર હોય, જ્યાં બાળકો-બહેનો માટેની રમતગમત, શૈક્ષણિક તથા સામાજિક સેવાની પ્રવૃત્તિઓ નિરંતર થતી હોય, વડીલો ઢળતી ઉંમરમાં એકલતા ના અનુભવે તેવી પ્રવૃત્તિ થતી હોય.
- આ બધી વિગતોને ધ્યાનમાં લઇ ટ્રસ્ટને ભૂતકાળમાં આર્થિક સહયોગ આપ સૌએ આપ્યો છે તેવી જ રીતે નવીન કાર્ય માટેની ટહેલ આવે ત્યારે ઉચ્ચ ભાવનાથી તેને વધાવીને સફળ બનાવશો તેવી આશા રાખું છું.
- મારા કાર્યકાળ દરમ્યાન આપ સૌએ આપેલા સહકાર બદલ આપનો હું ખુબ ખુબ આભાર માનુ છું અને ભવિષ્યમાં મારે લાયક કોઈ પણ કાર્યમાં હું હંમેશા આપની સાથે હોવાની ખાતરી આપું છું.
- અસ્તુ…
સ્થાપક પ્રમુખશ્રીનું નિવેદન
શ્રી ડી. વી. પટેલ
જય શ્રી કૃષ્ણ તેમજ શુભેચ્છા સહ...આપણા સમાજ માટે કંઈક કરીએ તેવા વિચાર આવતા સરદાર જયંતિ ના રોજ 1985 ના મહી તથા પાનમ ના કિનારે અને આસપાસ વસતા આપણા પટેલ સમાજના વડોદરામાં સ્થિર થયેલા સભ્યો એકત્રીત થઇ મહી-પાનમ સમાજની સ્થાપના કરી..
Read more
- આજ તબક્કામાં બાવન પાટીદાર સમાજ તેમજ અન્ય સંસ્થાઓ પણ પ્રકાશમાં આવી. જેના સંચાલનમાં પણ વડોદરા ના સભ્યો જોતરાયા અને એક નવિન શક્તિ ઉભી કરી ખુબ સારા કાર્યોની શરૂઆત થઈ અને ખુબ ઉપયોગી પરિવાર દર્શનિકા છપાઈ.
- સમાજ સંચાલનમાં પણ ઉપસ્તિથ રહી સમય પ્રમાણે પરિવર્તન માટે પ્રયત્નો કરી પ્રશંસનીય કાર્યવાહી કરવામાં આવી.
- આજ રીતે વિવિધ શહેરોમાં પણ પ્રેરણા આપી વડોદરા જેવી સમાજ સંસ્થાઓની સ્થાપના કરી.
- સતત 14 થી 15 વર્ષ સુધી મને વડોદરા સમાજની સેવા કરવાની આગેવાનીની તક મળી જે મારા માટે આનંદની વાત છે. તેમજ સભ્ય પરિવારોનો મળેલ પ્રેમ અને સહકાર મારા માટે એક સુંદર સંભારણારૂપે સચવાયેલ છે.
- હાલના સંજોગોમાં સમાજના વિકાસ માટે પ્રયત્નશીલ રહું છું અને જયારે જયારે તક મળે ત્યારે હું મારા મુક્ત વિચારો વ્યક્ત કરું છું.
- સમાજને ધબકતો જોઈને મને ખુબજ આનંદ થાય છે. આજ રીતે સમાજ અવિરત ચાલતો રહે તે માટે મારી શુભકામનાઓ અને પ્રભુ પ્રાર્થના સાથે જ છે.
- આવતા સમયમાં ધંધો, રોજગારી તેમજ સમૂહલગ્નો માટે બદલાતા સમય પ્રમાણે સામાજિક રિવાજોમાં જરૂરી ફેરફારો હાથ ઉપર લેવા જેવા છે. જેમાં મારી જ્યાં પણ જરૂરિયાત જણાય અથવા તો હું જ્યાં પણ ઉપયોગી થઇ શકું તેમ હોય તો મને જાણ કરવા વિનંતી. સમાજ સેવાનો સંકલ્પ મારા માટે આજીવન છે.
- સ્વામી વિવેકાનંદ કહી ગયા છે કે "સંગઠનમાં મહાશક્તિ રહેલ છે." જેથી સહકારી-સંગઠિત સમાજ એક મોટી શક્તિ છે.
- સર્વેના સહકાર માટે આભારી છું, અને પ્રગતિ માટે શુભેચ્છા તેમજ પરમકૃપાળુ પરમાત્મા ને પ્રાર્થના...
સ્થાપક મંત્રીશ્રીનું નિવેદન
શ્રી એચ. વી. પટેલ
મહીસાગર તથા પાનમ નદી વચ્ચેના અને આસપાસના પટમાંથી એટલે કે લુણાવાડા, સંતરામપુર, કડાણા તથા ખાનપુર તાલુકાના વતની લેઉઆ પટેલ વડોદરામાં વસતા હોય તેવા સમાજ ને 'મહી-પાનમ પટેલ સમાજ' એવા નામથી તા: 31-10-1985 ના રોજ સ્થાપના કરવામાં આવી.
Read more
- દિન પ્રતિદિન સમાજની પ્રગતિ થતા વિવિધ પપ્રવૃત્તિઓ થવા માંડી. પરિવાર દર્શનિકા બનાવવામાં આવી સાથે સાથે આ સમાજને 'મહી-પાનમ સમાજ સેવા ટ્રસ્ટ' તરીકે ચેરિટી કમિશનર ઓફિસે નોંધણી કરવામાં આવી.
- વર્ષ દરમ્યાન પ્રવાસો, મીટિંગો તથા દિવાળી બાદ નવા વર્ષે સ્નેહ મિલન સમારંભનું સુંદર આયોજન કરવામાં આવે છે. એક પરિવારની જેમ આખોય સમાજ રહે છે ત્યારે ભવિષ્યમાં આથી પણ વિશેષ કર્યો થાય તે માટે મારી હાર્દિક શુભેચ્છાઓ.
મહિલા મંડળનું નિવેદન
"કોઈપણ સમાજનો વિકાસ જોવો હોય તો તે સમાજમાં મહિલા-શિક્ષણ અને મહિલાઓને સમાજમાં મળતા સ્થાન ઉપરથી જ નક્કી થઈ શકે છે. મહિલાઓ માં જાગૃતિ હશે તો જ સમાજમાં સારા સંસ્કાર અને જાગૃતિ આવી શકશે. આપણા સમાજમાં હવે બહેનોએ શિક્ષણ ક્ષેત્રે તેમજ સામાજીક અને અન્ય ક્ષેત્રે ઘણી સારી પ્રગતિ કરી છે. જેનો શ્રેય આપણા પટેલ સમાજના દીર્ઘ દ્રષ્ટિવાળા સર્વ ભાઈ-બહેનોને ફાળે જાય છે. સમાજમાં સમય સાથે દીકરા-દીકરી વચ્ચેના ભેદભાવ હવે નામશેષ થઇ ગયા છે.
Read more
- સ્ત્રી એ પ્રેમ-હૂંફ અને ત્યાગની મૂર્તિ છે. જે વડોદરા સ્થિત આપણા પટેલ સમાજની બહેનોએ સાબિત કરી બતાવેલ છે. આપણા સમાજની મહિલાઓએ મહી-પાનમ સમાજ સેવા ટ્રસ્ટના નેજા હેઠળ 1987 માં મહિલા મંડળની સ્થાપના કરી.
પોતાની શક્તિ અને તેના આધારે ગોધરા-દાહોદ-અમદાવાદ-આણંદ અને લુણાવાડા જેવા શહેરોમાં મહિલા મંડળ ચાલુ કરવામાં મહત્તમ યોગદાન આપ્યું.
સમાજની સર્વ બહેનોને સાથે રાખી અવાર-નવાર ધાર્મિક તેમજ અન્ય પ્રવાસોનું આયોજન કરી સર્વને પ્રોત્સાહન પૂરું પાડયુ છે.
દર વર્ષે યોજાતા સ્નેહ-મિલન સમારંભમાં સ્વેચ્છાએ જવાબદારી લઇ બહેનો-બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરાવેલ છે.
સંકલન અને વહીવટી વ્યવસ્થા માટે સમાજની મહિલાઓના વડોદરા શહેરમાં ચાર ઝોન પાડવામાં આવ્યા છે, જેથી દરેક બહેનોનો સહકાર મેળવી શકાય અને દરેકને પોતાનામાં રહેલી શક્તિ ઉન્નતિના કાર્યોમાં વાપરી આગળ આવાની તક મળી શકે.
- આભાર...